બુલેટીન બોર્ડ જાણવા જેવું અને લખવાં જેવું – પતંગિયા જગત વિષે
પતંગિયા જગત વિષે જાણવા જેવું
- રંગબેરંગી પતંગિયાં ખૂબ જ સુંદર અને મનમોહક હોય છે. તેમને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. પતંગિયાં ફૂલોની આજુબાજુ જ તેમનું જીવન પસાર કરતાં હોય છે. ફૂલોના રસને ચૂસીને તેઓ પોષણ મેળવતાં હોય છે. પતંગિયાંના લગભગ 28000 પ્રકાર છે. દરેક પતંગિયાનો આકાર અલગ અલગ હોય છે. તેમનું વજન ફૂલની બે પાંખડી જેટલું હોય છે. પતંગિયાનો જીવનકાળ ચાર અવસ્થામાંથી પસાર થાય છે.
- પહેલું ઈડાં, બીજુ લાર્વા (નાનો કીડો), ત્રીજું પ્યુપા અને ચોથું પતંગિયું. પતંગિયાનો લાર્વા અમુક જાતિના છોડ પર જ જીવે છે, બાકી અન્ય છોડ પર તે નષ્ટ થઈ જાય છે. માટે દરેક જાતના પતંગિયાની માદા ચોક્કસ જાતના ફૂલ ઉપર જ ઈંડા મૂકે છે. નર પતંગિયાની સંખ્યા માદા પતંગિયા કરતાં વધારે છે.
- માદા 400 ઈંડાં મૂકે છે. તેમના ઈંડાનો રંગ પીળો, નારંગી અને લીલો હોય છે. મોટાભાગે વંદા તેમનાં ઈંડાં ખાઈ જાય છે. આ કારણે પતંગિયાની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એક અઠવાડિયા બાદ ઈંડામાંથી લાર્વા નીકળે છે. લાર્વા તૂટેલા ઈડાનાં છોતરાંમાંથી જ પોતાનો ખોરાક મેળવે છે.
- પછી પાંદડાં ખાવા લાગે છે. લાર્વા તેમના વજન કરતાં પણ વધારે પાંદડાં ખાઈ જાય છે. થોડા દિવસ બાદ લાર્વા ખૂપામાં પરિવર્તિત થાય છે અને સમય જતા આ યૂપામાંથી પતંગિયું નીકળે છે. થોડી મિનિટોમાં તેમની પાંખોમાં લોહીનો પ્રવાહ શરૂ થઈ જાય છે અને તે ઊડવા માટે તૈયાર થઈ જાય છે. પુખ્ત વયનું થતા પતંગિયું ફૂલોમાંથી રસ ચૂસવા લાગે.
- વૈજ્ઞાનિકોના મત મુજબ પતંગિયાંની ઉત્પત્તિ આજથી દસ કરોડ વર્ષ પહેલાં થઈ હતી. મનુષ્ય કરતાં પણ પહેલાં પતંગિયાનું અસ્તિત્વ માનવામાં આવે છે. મોટાભાગે પતંગિયાં ફૂલોનો રસ ચૂસીને પોતાનો ખોરાક મેળવે છે. જોકે કેટલાંક પતંગિયાં પશુઓના મળમાંથી પણ પોતાનો ખોરાક મેળવે છે.
- જ્યારે કેટલાંક પતંગિયાં પાકેલાં કેળાંમાંથી ખોરાક આરોગે છે. પતંગિયાં ખોરાક પર ઊભા રહીને તેનો સ્વાદ ચાખે છે, કારણ કે તેમની સ્વાદ પારખવાની શક્તિ તેમના પગમાં હોય છે. પતંગિયાં દિવસમાં ખોરાકની શોધમાં રખડે છે અને રાતે નિષ્ક્રિય થઈ આરામ કરે છે.
- કેટલાંક પતંગિયાં તડકામાં રહેવાનું વધારે પસંદ કરે છે, જ્યારે કેટલાંક છાંયડામાં રહેવાનું પસંદ કરે છે. ધરતી પર એવાં ઘણાં પક્ષીઓ અને જીવજંતુઓ છે જેઓ પતંગિયાંનો શિકાર કરીને ખાઈ જાય છે. કેટલાંક પતંગિયાં ઝેરીલાં પણ હોય છે. તેઓ મુખ્યત્વે લાલ, લીલો અને પીળા જેવા પ્રાથમિક રંગો જ જોઈ શકે છે.
- પતંગિયા સાંભળી શકતાં નથી. આ કારણે તેઓ શિકારીઓને તેમના કંપનથી જ ઓળખી કાઢે છે. વિશ્વનું સૌથી મોટા કદનું પતંગિયું ઓર્નિયોપ્ટેરા અલેક્ઝન્ડિયા જાતિનું હોય છે તેમજ ભારતમાં જોવા મળેલું સૌથી મોટું પતંગિયું કોમન બર્ડનિંગ છે અને સૌથી નાનું પતંગિયું ગ્રાસ જ્વેલ છે.