મધમાખી (honey bee) :

મધમાખી (honey bee) :

Gujrat
0
સામાજિક વિજ્ઞાન

    મધમાખી (honey bee) :



     આર્થિક ર્દષ્ટિએ માનવીને અત્યંત લાભકારી કીટક. સમૂહમાં જીવન પસાર કરનાર આ કીટકો મધનું તેમજ મીણનું ઉત્પાદન કરે છે. મધનો ઉપયોગ ખોરાક તરીકે જ્યારે મીણનો ઉપયોગ સૌંદર્યપ્રસાધન, મીણબત્તી (candles) અને ચોંટણ જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે. મધમાખીનું વર્ગીકરણ ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના એપૉઇડિયા અધિકુળ અને એપિડે કુળની એપિસ પ્રજાતિ તરીકે કરવામાં આવે છે. સામાજિક જીવન પસાર કરતી મધમાખી સમૂહમાં મધપૂડામાં વસે છે. પ્રત્યેક મધપૂડામાં મધમાખીની સંખ્યા 25,000થી 1,50,000 જેટલી હોઈ શકે છે. મધપૂડામાં ત્રણ પ્રકારની મધમાખીઓ હોય છે : એકલ રાણી, જૂજ નર અને અનેક કામગાર.
    મધમાખીની શરીર–રચના : અન્ય કીટકોની જેમ તેનું શરીર શીર્ષ, ઉરસ્ અને ઉદર – એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલું અને સંખ્યાબંધ સૂત્ર (વાળ) જેવા પ્રવર્ધો વડે ઢંકાયેલું હોય છે. મધમાખી જ્યારે એક ફૂલ પરથી બીજા ફૂલ પર પુષ્પરસ(મકરંદ)ની શોધમાં ફરે છે ત્યારે ફૂલની પરાગરજો આ વાળને ચોંટે છે અને એ રીતે મધમાખી પરાગનયન (pollination) દ્વારા વનસ્પતિ-ફલીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. મધમાખી હંમેશાં મકરંદને ચૂસવા એક ફૂલ પરથી બીજા ફૂલ પર ફર્યા કરે છે. મકરંદનો સંગ્રહ કરવા મધમાખીમાં એક વિશિષ્ટ જઠર આવેલું હોય છે. તેને મધ-જઠર (honey-stomach) કહે છે. મધના સ્થળાંતરમાં તે અગત્યનો ભાગ ભજવે છે. મધમાખીને પાંચ આંખ હોય છે, જેમાંની ત્રણ નાની હોય છે અને તે માથાની ટોચે ત્રિકોણાકારમાં ગોઠવાયેલી હોય છે. આ ઉપરાંત પાર્શ્વ બાજુએ એક એક – એમ બે વધારાની સંયુક્ત આંખો પણ હોય છે. એ આંખો વાદળી, પીળાં, લીલાં અને પારજાંબલી કિરણો પારખવાની ક્ષમતા ધરાવે છે. તે ફૂલને પારખવામાં અગત્યનો ભાગ ભજવે છે. મધમાખીના શીર્ષ પર સ્પર્શકોની એક જોડ આવેલી હોય છે. આ સ્પર્શકો પર ગંધગ્રાહી અંગો આવેલાં હોય છે. વળી, સ્પર્શક પર આવેલા વાળ જેવા પ્રવર્ધો પણ સ્પર્શાંગોની ગરજ સારે છે.
    મુખપ્રદેશમાં મુખાંગોની બનેલી એક જીભ આવેલી હોય છે, જે જરૂરિયાત પ્રમાણે લાંબી અથવા ટૂંકી બને છે અને તેને વાળી શકાય છે. જીભ મકરંદને ચૂસીને તેને મધ-જઠરમાં ઠાલવે છે. વળી તેનો ઉપયોગ મધ-જઠરમાંથી મધને ખેંચીને મધપૂડાના ખંડોમાં સંઘરવામાં અને બીજી મધમાખીને તે પીરસવામાં પણ થાય છે. મધમાખીના ઉરસ્ પ્રદેશમાં પાંખની બે જોડ આવેલી છે. આગલી પાંખ પર હારમાં ગોઠવાયેલી કેટલીક આંકડીઓ આવેલી હોય છે, જે બીજી પાંખની જોડ સાથે બરાબર ચોંટેલી રહે છે. પાંખોની આવી ગોઠવણને લીધે આગળ, પાછળ અથવા તો પાર્શ્વ બાજુએથી ઉડ્ડયન કરવાની તેમજ એક જ જગ્યાએ અધ્ધર રહેવાની ક્ષમતા પણ મધમાખી ધરાવે છે. ઉરસ્ પ્રદેશમાં પાંખ ઉપરાંત પગની ત્રણ જોડ આવેલી હોય છે. પગનો ઉપયોગ માત્ર ચાલવા પૂરતો મર્યાદિત નથી. પરાગરજ ખેરવવામાં અને મીણનું સંકલન કરવામાં પણ તે ઉપયોગી નીવડે છે. વધારામાં પાછલા પગની મદદથી તે પરાગરજ ઉપાડે છે. મધમાખીના આગલા પગમાં ખાંચ આવેલી હોય છે, જેના પરિણામે ત્યાં પરાગરજ સ્વચ્છ રહે છે અને સ્પર્શકનો ઉપયોગ પરાગરજ પર એકઠા થયેલા કચરાને હઠાવવામાં કરે છે. કામગાર મધમાખીના પાછલા પગ પર વાંકાચૂકા વાળ હોય છે. તેનો ઉપયોગ પરાગરજને સંઘરવામાં થાય છે. તેથી તેને પરાગરજનો ટોપલો (pollen-basket) કહેવામાં આવે છે.
    ખ : મધમાખીમાં ડંખાંગ આવેલું હોય છે. કામગાર માખીમાં ડંખાંગ સરળ હોવા ઉપરાંત તે આંકડી વડે જોડાયેલું હોય છે. અન્ય પ્રાણીને ડંખવું તે એક રક્ષણાત્મક વર્તન છે. ડંખનો ઉપયોગ વિષ રેડવામાં પણ થાય છે. જોકે ડંખવાથી કામગાર મધમાખી ડંખ ગુમાવે છે અને જૂજ સમયમાં મૃત્યુ પામે છે. રાણીને પણ ડંખ હોય છે. આ ડંખ વડે રાણી બીજી રાણીને ડંખે છે, પરંતુ તે ડંખ ગુમાવતી નથી. મધપૂડામાં ખંડો વચ્ચે હવાઈ ખાંચો આવેલી હોય છે. મધમાખી મધપૂડાની અંદર ગિરદી ટાળવાનો પ્રયાસ કરે છે. તે મધપૂડામાંની અંદરની ગરમી સહન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. મધમાખી મધપૂડામાં પાણીનો સંગ્રહ કરીને તેનું સિંચન કરે છે. તેના પરિણામે પાણીનું બાષ્પીભવન થાય છે અને મધપૂડો શીતલ બને છે.


    મધમાખી વચ્ચે કાર્યની વહેંચણી :

    1. રાણી :
     રાણી માત્ર ઈંડાં મૂકવાનું કાર્ય કરે છે. ખાસ કરીને વસંત ઋતુમાં દર 43 સેકંડે તે અનેક ઈંડાંનું વિમોચન કરી પ્રતિદિન આશરે 2,000 જેટલાં ઈંડાં મૂકતી હોય છે.
    2. નર :
    રાણી સાથે સમાગમ એ નરનું મુખ્ય કાર્ય છે. પરંતુ સામાન્યપણે જે મધપૂડામાં નર વસે છે ત્યાં રાણી સાથે સમાગમ કરવાને બદલે તે નર લાંબું અંતર કાપી અન્ય મધપૂડામાં વસતી રાણી સાથે સંવનન-સમાગમ કરે છે. સામાન્યપણે ગ્રીષ્મ ઋતુમાં તે મધપૂડામાં જોવા મળે છે. તેમની જીભ જોઈતા પ્રમાણમાં ખોરાકનું પ્રાશન કરવાની ક્ષમતા ધરાવતી નથી અને ખોરાક માટે તે કામગાર માખી પર આધાર રાખે છે. શિશિર ઋતુની શરૂઆતમાં જ્યારે ખોરાકની અછત થાય છે ત્યારે કામગાર માખી નરને ખવડાવતી નથી અને મધપૂડામાંથી તેને કાઢી મૂકે છે, જેના પરિણામે તે મૃત્યુ પામે છે.

    . કામગાર :

    આ મધમાખી વંધ્ય માદા કામદાર તરીકેની ફરજ બજાવે છે. તે સમાગમ કરતી નથી અને ઈંડાંનું વિમોચન પણ કરતી નથી. જન્મ્યા પછી શરૂઆતના ત્રણ દિવસ કામગાર મધમાખી મધપૂડો સ્વચ્છ કરવામાં રોકાયેલી હોય છે. ત્યારબાદ થોડોક સમય તે ખોરાક સંઘરવામાં અને મધ બનાવવામાં વિતાવે છે. તે પછીના ગાળામાં તે મધુકોષો (honey comb) બનાવવામાં પણ સક્રિય બને છે. મધુકોષ મુખ્યત્વે મીણનો બનેલો હોય છે. કામગારના ઉદર ખંડોમાં મીણસ્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. સ્રાવ થતાં મીણ તકતી જેવો આકાર ધારણ કરે છે. કામગાર પોતાના અધોહનુ વડે આ તકતીઓને ખસેડી તેમાંથી મધુકોષ બનાવે છે.
    મધપૂડામાં 90 % જેટલી વસ્તી માત્ર કામગાર એટલે કે વંધ્ય માદાઓની હોય છે. મધ બનાવવું, તેને સાચવવું, પરાગકણ લાવવા, મીણનું ઉત્પાદન કરવું તેમજ મધપૂડો બનાવવા ઉપરાંત, રાણીની સારવાર અને સંભાળ લેવી, ઈંડાંની સંભાળ લેવી, ડિમ્ભોના ઉછેર માટે તેમની જરૂરિયાત મુજબ ખોરાક બનાવવો અને તેની વહેંચણી કરવી વગેરે જવાબદારીઓ પણ તે ઉપાડે છે. સામાન્ય મધમાખીનો ખોરાક શાહી મુરબ્બા(royal jelly)નો બનેલો હોય છે. આ મુરબ્બો યુવાન કામગારના શીર્ષપ્રદેશમાં આવેલી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં પ્રોટીન અને વિટામિન જેવાં ખોરાકી ઘટકો વિપુલ પ્રમાણમાં હોય છે. તેમાં પરાગરજનું મિશ્રણ કરી તે ડિમ્ભને ખવડાવે છે. જ્યારે ભાવિ રાણીના ડિમ્ભને માત્ર શાહી મુરબ્બો ખવડાવે છે. કેટલીક કામગાર મધમાખો રાણી માટે ખાસ મધકોષો બાંધે છે.

    પ્રજોત્પત્તિ :



     યુવાન રાણી પોતાના મધકોષમાંથી બહાર પડ્યા પછી સ્વતંત્રપણે મધનું પ્રાશન કરી સશક્ત બને છે. એકીસાથે જો બે રાણીઓ જન્મ પામી હોય તો લડે છે અને બેમાંથી એક મૃત્યુ પામે ત્યાં સુધી એમની લડાઈ ચાલે છે. દરમિયાન વૃદ્ધ રાણી કાં તો મધપૂડામાંથી નીકળી જાય છે અથવા તો યુવાન રાણી સાથે લડે છે. લડાઈમાંથી જીત્યા પછી રાણી બહાર જઈને એકીસાથે એક અથવા તો અનેક નર સાથે સમાગમ કરે છે. ત્યારબાદ મધપૂડામાં પ્રવેશીને આખી જિંદગી સુધી માત્ર ઈંડાં મૂકવાનું કાર્ય કરે છે. એક રાણી પોતાની જિંદગી દરમિયાન – આશરે પાંચેક વર્ષો સુધી લાખોની સંખ્યામાં ઈંડાં મૂકે છે.
    મધપૂડામાં વધારે ભીડ થતાં માદાની ઈંડાં-વિમોચનની શક્તિ નબળી પડે છે અને કામગારો નવી રાણી માટે નવા મધુકોષો બનાવે છે. આ મધુકોષોમાં વૃદ્ધ રાણી ઈંડાં મૂકે છે અને તેનું રૂપાંતર કોશેટા(pupae)માં થતાં તેને મીણથી ઢાંકે છે. સમયાનુસાર જૂની રાણી સાથે મોટી સંખ્યામાં કામગારો નવો મધપૂડો વસાવવા બહાર નીકળી પડે છે. આ ટોળું હવે છોડની ડાળખી અથવા વિશિષ્ટ સ્થળની આસપાસ ભેગું થાય છે. દરમિયાન ‘સ્કાઉટ’ નામે ઓળખાતી કામગાર મધમાખો નવી વસાહત માટે જગ્યા શોધે છે. જગ્યા નિશ્ચિત થતાં પાછી આવી વિશિષ્ટ પ્રકારે નર્તન કરે છે. આ સ્કાઉટો પસંદ કરેલ જગ્યાની ચકાસણી કરે છે. આ કાર્યવાહીમાં સ્કાઉટો વિશિષ્ટ નર્તન દ્વારા જગ્યાનું અંતર તેમજ દિશાનું સૂચન કરતી હોય છે. સારી જગ્યાની પસંદગી થતાં આખું ટોળું ત્યાં પ્રયાણ કરી સ્થાયી બને છે અને મધપૂડો બાંધે છે. છેલ્લે રાણી જઈને ત્યાં વસવાટ કરે છે.
    ખોરાકની શોધમાં પણ સ્કાઉટો રોકાયેલી હોય છે. શોધ સફળ થતાં તે સૂર્યને કેન્દ્રસ્થાને રાખી ખોરાક ક્યાં આવેલો છે તેની જાણ વિશિષ્ટ નર્તન દ્વારા કરે છે. આ નર્તનને નવું સ્થાન શોધવા માટે કરવામાં આવતાં નર્તન સાથે સરખાવી શકાય. જો સૂર્યની દિશા તરફ જમણી બાજુએથી 30° કોણે આ સ્થાન આવેલું હોય તો તે દિશાએ ‘8’ ભાત વડે મધપૂડા સાથે કલ્પિત ઊભી લીટીમાં તેઓ પુન: પુન: નર્તન કરે છે. જો સ્થળ નજદીક હોય તો તે દર્શાવવા નર્તન વેગીલું હોય છે. સાવ નજદીક હોય તો નર્તન વધારે ઝડપી હોય છે.

    મધમાખીના દુશ્મનો :

    મધ’ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝમાંથી બનેલું હોય છે. તે ઘણાં પ્રાણીઓ માટે એક અગત્યનો ખોરાક બની શકે છે. તેથી રીંછ, હની-બૅજર, હની-ગાઈડ અને મધમાખીખાઉ (bee-eaters) પક્ષીઓ અને કીડીઓ મધની શોધ કરતાં કરતાં મધપૂડાનો પણ નાશ કરતાં હોય છે. મધમાખી-ઇતડી (honey bee mite) નામે ઓળખાતી અષ્ટપાદ જાતિ મધપૂડા પર હુમલો કરે છે. આ ઇતડીઓ એશિયા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં હજારોની સંખ્યામાં મધપૂડાનો નાશ કરતી હોય છે.

    ભારતમાં મુખ્યત્વે ચાર પ્રકારની મધમાખીઓ જોવા મળે છે :

     સાતપુડિયા મધમાખી (Apis indical), ભૂગા મધમાખી (Apis floreas), ભમરિયા મધમાખી (Apis dorsata) અને ડમ્મર મધમાખી (Apis mellifera).
    સાતપુડિયા મધમાખી :
    નાના કદની આ મધમાખી સુરક્ષિત જગ્યાએ એટલે કે ઝાડની બખોલ, ગુફા, કૂવાની દીવાલ જેવા સ્થળે મધપૂડો બાંધે છે. ડુંગરાળ તેમજ સપાટ પ્રદેશમાં મળતી આ મધમાખીઓ બખોલ જેવા પ્રવેશદ્વારને કાટખૂણે, એકબીજાને સમાંતર મધપૂડા બાંધે છે. ગરમ પ્રદેશમાં વસતી આ માખી, બખોલ જેવામાં દાખલ થવાની દિશાએ એકબીજાને સમાંતર 5થી 6 મધપૂડા બાંધી, તે શીતલ રહે તેવી ગોઠવણ કરે છે. આ મધમાખી કદમાં સહેજ નાની હોય છે અને મધમાખી-ઉછેરમાં અનુકૂળ રહે છે. ભારતમાં તેને વધુ પસંદ કરવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશની માખી 4થી 5 લીટર જેટલું મધનું ઉત્પાદન કરતી હોય છે.
    ભૂગા મધમાખી :
     આ મધમાખી ભારતમાં 500થી 1,200 મીટર ઊંચાઈવાળા પ્રદેશમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ મધમાખી નાનામાં નાની જાતની છે. તેના મધપૂડામાંથી 200 c.c.થી 1.5 લીટર જેટલું મધ મળે છે. મધપૂડા બાંધવા માટે તે ઝાડની ડાળીઓ, દીવાલોના ખૂણા અને કૂવાની બખોલ જેવી જગ્યાઓ પસંદ કરે છે.
    ભમરિયા મધમાખી :
     ભમરા જેવા મોટા કદની આ મધમાખીનો ડંખ છંછેડાયેલ પરિસ્થિતિમાં જોખમકારક નીવડે છે અને કેટલીક વાર તો જીવલેણ પણ થઈ શકે છે. તે કદમાં મોટી હોય છે અને તેના મધપૂડામાંથી 25થી 100 લીટર જેટલું મધ મળે છે. પરંતુ તેના ક્રોધી સ્વભાવને લીધે તેને પાળવી મુશ્કેલ હોય છે. તે 1,200થી 2,000 મી. ઊંચાઈવાળા ડુંગરાળ પ્રદેશોમાં મળી આવે છે. વૃક્ષોની ઊંચી ડાળી, મોટાં મકાનોની છત નીચે અથવા તો ઘુંમટની નીચે ઘણી વાર ભમરિયા મધમાખીના મધપૂડા જોવા મળે છે. શુષ્ક પ્રદેશોમાં પાણીની ટાંકીઓના તળિયાના ભાગે તેના મધપૂડા જોઈ શકાય છે.
    ડમ્મર મધમાખી :
     આ મધમાખી સૌથી નાની, ડંખ વગરની હોય છે અને મધપૂડો બાંધવા માટે જેમાં નાનું કાણું હોય તેવી ઝાડની બખોલને પસંદ કરે છે. તેના મધપૂડામાંથી જવલ્લે 50થી 100 ગ્રામ મધ નીકળે છે. તેના મધના સ્વાદમાં સહેજ ખટાશ હોય છે અને વૈદકીય ર્દષ્ટિએ તે ઊંચી ઔષધીય ગુણવત્તાવાળું લેખાય છે.
    સંકલન by ફેસબુક 


    .

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !