ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ-2
Gujarat ( ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ-2
અનુશ્રુતિક વૃત્તાંત મુજબ મનુને શાંતિ નામનો પુત્ર હતો. શર્યાતિને 'આનર્ત' નામનો એક પુત્ર અને 'સુકન્યા' નામની એક પુત્રી હતી.
⇨ શર્યાતિના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશ 'આનર્ત' તરીકે ઓળખાતો હતો, જેની રાજધાની 'કુશસ્થલી' હતી જે હાલ દ્વારકા તરીકે ઓળખાય છે. કુશસ્થલી (દ્વારકા)માં બે દ્વાર આવેલ છે. 1. મોક્ષ દ્વાર 2. સ્વર્ગ દ્વાર. સુકન્યાના લગ્ન ભૃગુકુળના ચ્યવન ઋષિ સાથે થયા હતા. તેમના પુત્ર દધિચિ સાબરમતી નદીના કિનારે વસ્યા હતા. તેમણે અસુરોને હણવા માટે વજ્ર બનાવવા પોતાના અસ્થિઓનુ દાન ઈન્દ્રને સમર્પિત કરી દીધા હતાં.
દ્વારકા મંદિર
⇨ આનર્તના વંશમાં રેવ કે રૈવત નામે રાજા થયો. આ વંશનો છેલ્લો રાજા રૈવત કકુષ્મી હતો. તેની પુત્રી રેવતીને વસુદેવના પુત્ર બલરામ સાથે પરણાવવામાં આવી હતી. તેના સમયમાં કુશસ્થલી પર પુણ્યજન રાક્ષસોનું આક્રમણ થયું તેથી શર્યાત વંશની સત્તા અસ્ત પામી.
⇨ ભારતની ઐતિહાસિક અનુશ્રુતિઓ જાળવતા પુરાણો અને મહાભારત સિવાય વૈદિક તેમજ અનુવૈદિક સાહિત્યમાં પણ યાદવો (યદુઓ)ને લગતા છૂટાછવાયા ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત પાણિનિના અષ્ટાધ્યાયી, કૌટિલ્યના અર્થશાસ્ત્ર, પતંજલિના મહાભાષ્ય વગેરેમાં પણ તેમની પેટાશાખાઓનો ઉલ્લેખ મળે છે.
⇨ જૈન અનુશ્રુતિ મુજબ યાદવ કુળના સમુદ્રવિજયના પુત્ર નેમિકુમાર (અરિષ્ટનેમિ) જે શ્રીકૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. તેમના લગ્ન રાજા ઉગ્રસેનની પુત્રી રાજીમતી સાથે થયા, ત્યારે લગ્નમાં ભોજન માટે બંધાયેલા પશુઓનો આર્તનાદ સાંભળી નેમિકુમારે રૈવતક પર્વત પર જઈને દીક્ષા લીધી. તેમણે તપશ્ચર્યા કરીને કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યુ અને નેમિનાથ નામે 22મા તિર્થંકર તરીકે ખ્યાતિ પામ્યા. રાજીમતીએ પણ એમની પાસેથી દીક્ષા લીધી.
⇨ વૃષ્ણિકુળના વસુદેવ શૂરના પુત્ર હતાં. જેમની બહેનને રાજા કુંતીભોજે દત્તક લીધી હતી તેથી તે કુંતી કહેવાઈ. તેના લગ્ન હસ્તિનાપુરના રાજા પાંડુની સાથે થયા હતાં.
⇨ વસુદેવ મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી હતાં. સત્તા મેળવવા માટે કંસે પોતાના પિતા ઉગ્રસેન તથા ઉગ્રસેનના વફાદાર વસુદેવને કારાવાસમાં નાંખ્યા. વસુદેવની 13 પત્નીઓમાંથી એક પત્ની દેવકીના પુત્ર કૃષ્ણ અને બીજી પત્ની રોહિણીના પુત્ર બલરામનો ઉછેર ગોકુળમાં નંદ ગોપને ત્યાં થયો.
⇨ કંસે સત્તા મેળવી તે દરમિયાન તેને મગધ સમ્રાટ જરાસંઘનું પીઠબળ હતું. કેંસના લગ્ન જરાસંઘની બે પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિ સાથે થયા હતાં. આગળ જતાં શ્રીકૃષ્ણ દ્વારા મામા કંસનો અંત કરવામાં આવ્યો. જે જરાસંઘ સહન કરી શકયો નહિ તેથી જરાસંઘે પુત્રીઓના કહેવાથી મથુરા પર અનેકવાર આક્રમણો કર્યાં, આથી યાદવોનું અસ્તિત્વ ભયમાં મૂકાયું. તેઓને જરાસંઘ સામે ટકી રહેવાનું મુશ્કેલ જણાતા પશ્ચિમ દિશામાં સ્થળાંતર કર્યું અને શર્યાતીની રાજધાની કુશસ્થળી આવીને વસવાટ કર્યો જે પછીથી દ્વારવતી તરીકે ઓળખાયું.
⇨ મહાભારત, હરીવંશ, વિષ્ણુપુરાણ તથા ભાગવત મુજબ કૃષ્ણ યાદવોના અગ્રણી હતાં. બલર શ્રી મોટાભાઈ હતાં. શ્રીકૃષ્ણના નેતૃત્વ હેઠળ યાદવોએ ગુજરાતમાં સ્થળાંતર કરી તેમની હસ્તી ટકાવી રાખી. જે યાદવોના અમુક પ્રસંગો પરથી જાણવા મળે છે.જેમાં વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રુમિણીનું શિશુપાલ સાથેનું સગપણ, નરકાસુરનો વધ, સૌભનગરના રાજા શાલ્વે દ્વારકા પર કરેલ આક્રમણ, ઈન્દ્રપ્રસ્થના રાજા યુધિષ્ઠિર દ્વારા યોજાયેલા રાજસૂય યજ્ઞમાં શ્રીકૃષ્ણની ભૂમિકા વગેરેનો સમાવેશ થાય છે.
⇨ યાદવોની હૈયેય શાખામાં કૃતવીર્ય નામે રાજા થયો હતો, જેમની રાજધાની માહિષ્મતી હતી જે હાલમાં મધ્યપ્રદેશમાં આવેલ છે.
⇨ રાજા કૃતવીર્યને પરશુરામે હરાવી દીધો હતો, અને પરશુરામે શુર્પારક (સોપારા)માં વસવાટ કર્યો. સોપારા હાલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલું છે, જે 'નાલાસોપારા' તરીકે ઓળખાય છે.
⇨ શ્રીકૃષ્ણે રૂકમણી, સત્યભામા, જાંબવતી સાથે લગ્ન કર્યા તથા પ્રાગજ્યોતિષપુર (વર્તમાનનું આસામ)ના નરકાસુરનો વધ કરી કેદ કરેલી 16,100 કન્યાઓને મુકત કરી.
⇨ શ્રીકૃષ્ણની આઠ મુખ્ય રાણીઓમાં રૂકમણી, જાંબવતી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, નગ્નજીતી ભદ્રા અને લક્ષણા નો સમાવેશ થાય છે. કૃષ્ણ અને જાંબવતીના પુત્ર સામ્બને દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે પરણાવ્યો.
⇨ શ્રીકૃષ્ણને રૂકમણી થકી પ્રદ્યુમ્ન નામનો પુત્ર થયો. પ્રધુમ્નનો પુત્ર અનિરૂદ્ધ શોણિતપુરના અસુર રાજા બાણની પુત્રી ઉષા સાથે પરણ્યો. આ લગ્ન પ્રસંગ ગુજરાતી સાહિત્યમાં ઓખાહરણ 'ઓખા-હરણ' અથવા 'ઉષા હરણ' તરીકે જાણીતો છે.
⇨ લૌકિક પરંપરા મુજબ પ્રેમાનંદનું આખ્યાન 'સુદામાચરિત્ર' શનિવારે, 'હૂંડી' રવિવારે, ‘ઓખા હરણ' ચૈત્ર મહિનામાં અને 'કુંવરબાઈનું મામેરુ' સીમંતના પ્રસંગે ભાવપૂર્વક ગવાય છે.
⇨ કુરુક્ષેત્રમાં કૌરવ- પાંડવોના યુદ્ધ વખતે શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા જે પ્રસંગનો મહાભારતના છઠ્ઠા (ભીષ્મ) પર્વમાં ભગવદ્ગીતાનો સમાવેશ થાય છે.
⇨ યાદવો સંપત્તિ, સત્તા અને શકિતને કારણે વિલાસી બન્યા આંતરિક વિખવાદને કારણે 'યાદવાસ્થળી' પ્રભાસપાટણ નામના સ્થળે આ કુળનો નાશ થયો. જેનો ઉલ્લેખ મહાભારતના મૌસલ પર્વમાં કરવામાં આવ્યો છે.
⇨ શ્રીકૃષ્ણ જ્યારે સોમનાથ નજીક પીપળાના વૃક્ષ નીચે આરામ કરતાં હતા ત્યારે જરા નામના પારધીએ તેમને હરણ સમજી તીરથી ઘાયલ કર્યા અને હિરણ નદીના કિનારે મોક્ષપીપળા હેઠળ દેહત્યાગ કર્યો. આ સ્થળને ભાલકાતીર્થ અથવા ગૌલોકધામ કહેવાય છે.
⇨ શ્રીકૃષ્ણના અગ્નિસંસ્કાર હિરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે થયા હતા. જેને દેહોત્સર્ગ તીર્થ તરીકે ઓળખાય છે.
⇨ યાદવોના અંત પછી ગુજરાતમાં કયા રાજકુળોની સત્તા સ્થપાઈ તે બાબતે કોઈ પ્રમાણભૂત પુરાવાઓ મળતા નથી. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી મળે છે.