સામાજિક વિજ્ઞાન
Gujarat (ગુજરાત નો પૌરાણિક ઇતિહાસ-1)
રૈવત વંશ :
ગુજરાતનો એક પૌરાણિક વંશ. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર, હાલ ગુજરાત તરીકે ઓળખાતો પ્રદેશ વૈવસ્વત મનુના પુત્ર શર્યાતિને પ્રાપ્ત થયો હતો. વૈદિક સાહિત્યમાં રાજા શર્યાતિનો શાર્યાત તરીકે ઉલ્લેખ આવે છે. ‘હરિવંશ’ તથા 11 પુરાણોમાં શાર્યાત વંશની માહિતી આપેલી છે. શર્યાતિને આનર્ત નામે પુત્ર અને સુકન્યા નામે પુત્રી હતી. આનર્ત જે પ્રદેશ પર રાજ્ય કરતો, તે પ્રદેશ ‘આનર્ત’ કહેવાતો ને એની રાજધાની કુશસ્થલી હતી. સુકન્યાએ અજાણતાં એક વલ્મીકમાં–ચળકતી બે વસ્તુઓમાં સળી ખોસતાં એની અંદર તપ કરતા ચ્યવન ઋષિની આંખો વીંધાઈ ગઈ અને તેમને અંધાપો આવ્યો. એની સજા તરીકે સુકન્યાએ એ વૃદ્ધ ઋષિની પત્ની બનવું પડ્યું.
આનર્ત પછી એનો પુત્ર હોયમાન ને એના પછી એનો પુત્ર રેવ અથવા રેવત રાજા થયો. રેવતનો જ્યેષ્ઠ પુત્ર રૈવત કકુદ્મી શાર્યાત વંશનો અંતિમ રાજા હતો. એના સમયમાં પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલી નગરીનો નાશ કર્યો. મથુરાથી સૌરાષ્ટ્ર આવી વસેલા યાદવોએ વેરાન કુશસ્થલીનું નવનિર્માણ કરી દ્વારવતી કે દ્વારકા નામે નવી નગરી વસાવી, ત્યારે રૈવત કકુદ્મીએ પોતાની પુત્રી રેવતીને શ્રીકૃષ્ણના મોટા ભાઈ બલરામ વેરે પરણાવી. ત્યારે દ્વારકા પાસે રૈવતક નામે ગિરિ હતો.
આનર્ત વંશ અને રૈવત વંશ એ શાર્યાત વંશનું અનુસંધાન છે; પરંતુ પુરાણોમાં આ વંશની માહિતી જૂજ પ્રમાણમાં જળવાઈ છે. રૈવત કકુદ્મી મનુ વૈવસ્ત પછી ચાર-પાંચ પેઢીએ નહિ, પણ પચાસેક પેઢીએ થયા હશે, એમ અન્ય પ્રસિદ્ધ રાજવંશોના વૃત્તાંત પરથી માલૂમ પડે છે. પરંતુ રૈવત વંશના અનેકાનેક રાજાઓનાં નામ વિસ્મૃતિમાં લુપ્ત થઈ ગયાં લાગે છે. આમ શાર્યાત કે રૈવત વંશ ગુજરાતના આદ્યઐતિહાસિક કાલનો સહુથી પ્રાચીન જ્ઞાત રાજવંશ હતો.