સામાજિક વિજ્ઞાન
કર્ણદેવ (પહેલો) (1064-1094) :
ગુજરાતના સોલંકી વંશનો રાજા. એ ભીમદેવ પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. એણે લાટના ચાલુક્ય રાજા ત્રિલોચનપાલને હરાવી નાગસારિકા (નવસારી) મંડલમાં પોતાની સત્તા પ્રસારી. 1074માં ત્યાંના એક ગામનું દાન દીધું. પરંતુ લાટના રાજપુત્ર ત્રિવિક્રમપાલના કાકા જગત્પાલે લાટ પાછું લઈ ત્યાંના ગામનું દાન દીધું (1077). કર્ણદેવે ‘ત્રૈલોક્યમલ્લ’ બિરુદ ધારણ કર્યું. કાશ્મીરના કવિ બિલ્હણ થોડો વખત ગુજરાતમાં રહેલા ત્યારે તેમણે કર્ણદેવના પ્રણય તથા પરિણય વિશે ‘કર્ણસુંદરી’ નામે નાટક રચેલું. કર્ણદેવ ચંદ્રપુર(ગોવા)ના રાજા જયકેશીની કુંવરી મયણલ્લા(મીનળદેવી)ને પરણ્યો હતો. કર્ણદેવે 1084માં અને 1092માં ઉત્તર ગુજરાતમાં ભૂમિદાન દીધેલાં. એ શૈવ હતો. એણે આશાપલ્લીના ભિલ્લ રાજાને હરાવી ત્યાં કર્ણાવતી નગરી વસાવી, જ્યાં એણે કર્ણેશ્વરનું દેવાલય અને કર્ણસાગર નામે તળાવ કરાવ્યું. પાટણમાં કર્ણમેરુપ્રાસાદ કરાવ્યો. રાજપુત્ર જયસિંહનો રાજ્યાભિષેક કરાવી એ 1094માં મૃત્યુ પામ્યો.
ALSO READ