વનરાજ ચાવડા

વનરાજ ચાવડા

Gujrat
0
સામાજિક વિજ્ઞાન

વનરાજ (શાસનકાળ ઈ. સ. 720-780) : 


અણહિલપુરના ચાવડા વંશનો સ્થાપક. તેનાં કુળ, જન્મ અને બાળપણ વિશે જુદી જુદી દંતકથાઓ પ્રવર્તે છે. એ જ રીતે તેના રાજ્યારોહણના વર્ષ, માસ, તિથિ વિશે પણ દંતકથાઓનો જ આધાર લેવો પડે છે. તેમાં વિગતભેદ પણ જોવા મળે છે.

વનરાજનો ઇતિહાસ જાણવા માટે ત્રણ સાધનો અગત્યનાં છે;
 
જૈન પ્રબંધો, ‘રત્નમાળા’ અને ‘ધર્મારણ્યમાહાત્મ્ય’. 

જોકે આ ત્રણેય સાધનોમાંથી વનરાજના ઇતિહાસ સંબંધી અલગ અલગ કથાઓ જાણવા મળે છે. ત્રણેયની અંદર સરખાપણું એ જોવા મળે છે કે વનરાજનો જન્મ તથા ઉછેર પંચાસર પાસેના વનમાં થયો હતો અને નાનપણમાં જ અનાથ જેવો બની ગયો. છતાં તે પરાક્રમી અને વીર હતો.

👉જૈન પ્રબંધો મુજબ તેનું મૂળસ્થાન પંચાસર હતું અને તે અંબાસર ગામના ચામુંડનો પુત્ર હતો. આ પંચાસર મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે.

‘રત્નમાળા’માં જણાવ્યા મુજબ તે ચાવડાવંશના રાજા જયશિખરી અને રૂપસુંદરીનો પુત્ર હતો. તેના રાજ્યની રાજધાની પંચાસરમાં હતી.

એક વખત ચાલુક્ય રાજા ભુવડે પંચાસર ઉપર હુમલો કર્યો અને બાવન દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને આખરે ચાલુક્યરાજા ભુવડે કિલ્લો તોડી અંદર લશ્કર લઈ જતાં જયશિખરીને થયું કે હવે જો વંશ ચાલુ રાખવો હોય તો ગર્ભવતી રાણીને બહાર મોકલી દેવી તે બુદ્ધિનું કામ છે.

આથી જયશિખરી ચાવડાએ તેના સાળા સુરપાલને રાણી રૂપસુંદરીને પંચાસરથી લઈ જવા આદેશ આપ્યો અને સુરપાલ તેને બહાર જંગલમાં લઈ ગયો. આ બાજુ જયશિખરી તો આ લડાઈમાં મરણ પામ્યો.

આ દરમિયાન જંગલમાં ભીલોના આશ્રયે રહેલી રાણી રૂપસુંદરીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો.

જ્યારે આ બાળક છ વર્ષનો થયો ત્યારે ત્યાં આવેલા કોઈ યતિએ તેનાં લક્ષણો જોઈ અને વનમાં જન્મ્યો હોવાથી ‘વનરાજ’ નામ પાડ્યું.

જૈન પ્રબંધો કહે છે કે એ જંગલમાં રાણી રૂપસુંદરીને શીલગુણસૂરિ મળ્યા અને બાળકનાં ચમત્કારિક લક્ષણો જોઈ કહ્યું કે આ બાળક મોટો થઈ જૈનશાસનનો પ્રભાવક થશે.

વનરાજ મોટો થતાં તેણે પોતાની ટોળી ઊભી કરી ખાતર પાડીને દ્રવ્યસંચય કર્યો. કાન્યકુબ્જના એક રાજાએ પોતાની કુંવરીને ગુર્જરદેશ આપ્યો હતો. રાજાએ પોતાની રૈયત પર નાંખેલો વેરો ઉઘરાવવા એક પંચકુલ (પંચોળી) ગુજરાત આવ્યો. તેણે કર ઉઘરાવવાનું કામ વનરાજને સોંપ્યું, ત્યારે વનરાજે છ મહિનામાં 24 લાખ રૂપાના દામ અને 4,000 ઘોડા ભેગા કરી લીધા અને આ બધું વનરાજે જ રાખી લીધું અને એ દોલતમાંથી લશ્કર એકઠું કરી રાજાનો ખિતાબ ધારણ કર્યો.

આ પછી અણહિલ નામે ભરવાડે બતાવેલી ભૂમિ પર લાક્ષારામની નજીક નવું નગર વસાવ્યું અને તેનું નામ અણહિલપુર રાખ્યું. પછી અણહિલવાડ પાટણ ચાવડા તેમજ સોલંકી વંશની રાજધાની બન્યું.

અણહિલવાડમાં વનરાજે ધર્મની બહેન શ્રીદેવી પાસે રાજતિલક કરાવ્યું, અને જામ્બને મહામાત્ય નીમ્યો.

વનરાજના શાસનકાળ વિશે પણ જુદા જુદા મતો છે. એક ઉલ્લેખ મુજબ ઈ. સ. 746થી ઈ. સ. 805 સુધી તે રાજગાદીએ હતો.

જ્યારે છેલ્લાં સંશોધનો મુજબ તેનો શાસનકાળ ઈ. સ. 720થી ઈ. સ. 780 બતાવવામાં આવે છે.

તેનો શાસનકાળ નક્કી ન કરી શકાયાનું કારણ એ છે કે ચાવડા વંશના કોઈ પણ રાજાના શિલાલેખ, તામ્રપત્રલેખ, સિક્કા કે મુદ્રાલેખ મળ્યા નથી. જોકે પાટણમાં ગણપતિમંદિરમાં ઉમામહેશ્વરની મૂર્તિ પર વનરાજનો ઈ. સ. 746નો લેખ કોતરેલો છે. પરંતુ તે લેખ ઘણો મોડો કોતરાયેલો જણાય છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !