સામાજિક વિજ્ઞાન
ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સ્થળો
હૃદયકુંજ :
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહિંસાનું આંદોલન અને સ્વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે જે તેની મૂળ સ્થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.
‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્તકાલય, ગાંધીજીના હસ્તલિખિત પત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્તાવેજો ઉપરાંત ધ્વનિ અને પ્રકાશના આયોજનથી સ્વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્મારક ગાંધીજીએ સ્થાપેલા મૂલ્યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીની જંગનું મૂક સાક્ષી છે.
લોથલ
લોથલ એક પુરાતત્ત્વીય સ્થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્યા તે સિંધુ સભ્યતાની ઓળખ ઊભી કરે છે. ઈ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્કૃતિની સભ્યતા લોથલમાં જોવા મળે છે.
અહીં સિંધુની ખીણના અન્ય સ્થાપત્યો ઉપરાંત શ્રેષ્ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્તુઓની રચના તેમજ રહેણાંકોની સ્થાપત્ય કળા બેનમૂન અને વિસ્મયકારક છે. લોથલના રસ્તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્ત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થાન બન્યું છે.
કીર્તિમંદિર :
પોરબંદર ખાતે આવેલું કીર્તિ મંદિર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન છે. રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરાયેલા કીર્તિ મંદિરનું રાષ્ટ્રીય મહત્ત્વ જેટલું છે તેટલું ધાર્મિક મહત્ત્વ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાના જન્મસ્થાન તરીકે આ શહેરનું ધાર્મિક મહત્ત્વ પણ છે.
વડનગર :
વડનગર તેના સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થાનકો માટે જાણીતું છે. સ્થાપત્યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્થાપત્ય અંદાજે ૧૨મી સદીમાં નિર્માણ પામ્યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચું અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્થાપત્ય શહેરના પ્રવેશદ્વારની ઈમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્થાપત્ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રુદ્રમહાલય સ્થાપત્યની કોતરણી- નકશીકામ આ સ્મારકને મળતી આવે છે.
ધોળાવીરાઃ
ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધનગર એટલે ધોળાવીરા. ગુજરાતનાં કચ્છ જિલ્લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્થાપત્ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઈ.સ. પૂર્વે ૨૯૦૦ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઈંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્કાલિન સમયની દુનિયાની શ્રેષ્ઠ રચના-વ્યવસ્થા ગણાઈ છે.
ચાંપાનેર - પાવાગઢ :
ચાંપાનેર- પાવાગઢ, માંચીને વિશ્વના અજોડ પુરાતત્ત્વીય ઈમારત-સ્મારક તરીકે યુનેસ્કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર-પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા, અભયારણ્ય અને ડભોઈને પણ વિકસીત કરવામાં આવ્યું છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયથી સાંસ્કૃતિ વારસો ધરાવે છે. ૧૫મી સદીમાં રાજાપતઈને હરાવી મુસ્લિમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધુરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી.